we







નિખિલ શાહ જેવા ઝુઝારૂ કાર્યકરને પ્રમુખ સ્થાન કોણ આપશે..? ક્યારે..?

         કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા પુછપરછના વિરોધમાં આખા દેશમાં કોંગ્રેસ ધરણા-પ્રદર્શન કરી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આવાં જ એક કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ તા. ૨૨મીના રોજ કલેકટર કચેરી ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો પરિમલસિંહ રણા, શેરખાન પઠાણ, શકિલ અકુજી, દલપત વસાવા, મગનભાઈ પટેલ અને જ્યોતિબહેન તડવી ઉપરાંત પ્રદેશ મહામંત્રી સંદિપસિંહ માંગરોલા અને શહેર પ્રમુખ તેજપ્રીત સોખી સહિતના મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની હાઈલાઈટ બની કલેકટર કચેરી બહાર લગાવેલ હોર્ડિંગ પર શાહી છાંટવી. આ બનાવની આખા ગુજરાત જ નહીં દેશમાં નોંધ લેવાઈ છે.



યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ, મીડિયાકર્મી અને ઝુઝારૂ આગેવાન નિખિલ શાહનું નામ ચમક્યુ. આ યુવાને નારાજગી અને વિરોધ વ્યક્ત કરવા કલેકટર કચેરી બહાર લગાવેલ હોર્ડિંગ પર લાગેલા નરેંદ્ર મોદીના ફોટા ઉપર શાહી છાંટી હતી. આ બનાવના પગલે પોલીસે નિખિલ શાહની ધરપકડ કરી હતી અને બીજે દિવસે જામીન પર મુક્ત કર્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ હતું કે કોંગી આગેવાનો પાસે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહોતી. આરોપી નોખિલ શાહ છૂપી રીતે શાહીવાળી પેન  લઈને આવ્યો હતો. જ્યારે કોંગી કાર્યકરોએ પ્રદર્શન કરવાનુ શરૂ કર્યુ ત્યારે આરોપીએ કચેરી બહાર લાગેલા “માય રાશન” એપ્લિકેશનના હોર્ડિંગ જેના ઉપર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો ફોટો હતો તેના પર શાહી છાંટી હતી. પોલીસે આઈપીસી ૫૦૧ ૧(બી) હેઠળ નિખિલ શાહની ધરપકડ કરી હતી. નિખિલ શાહ ઉપર લોકોમાં ભય ફેલાવવો અને જહેર મિલકતને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. તો વળી આ પહેલાં પણ મુખ્યમંત્રીના ભરૂચ પ્રવાસ વખતે પણ તેની અટકાયત કરાઈ હતી.

જ્યારે નિખિલની ધરપકડ કરાઈ ત્યારે એહમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ, શક્તિસિંહ ગોહિલ, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા સહિત અનેક મહાનુભાવોનો ફોન આવ્યો હતો. તો વળી રાષ્ટ્રીય સ્તરે સમાચાર માધ્યમોએ પણ આ બનાવ પછી નિખિલ શાહની ધરપકડની નોંધ લીધી છે. એનડીટીવીના રવિશ કુમારે લખ્યુ છે “પ્રધાનમંત્રી કે પોસ્ટર પર શ્યાહી ફેંકનેવાલે કો જેલ હો સકતી હૈ. સાવધાર રહિએ. ભારત લોકતંત્ર કી માં હૈ. જનની હૈ. પ્રધાનમંત્રી કહતે હૈ.” ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખે પણ ટ્વીટ કર્યુ છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતુ કે, પોલીસ ધાકધમકીથી કાર્યકરોનું મોરલ ડાઉન કરવા માંગે છે. શાહી ફેંકવાનો કોઈ પુરાવો સી સી ટીવીમાં મળ્યો નથી. પોલીસ પરવાનગી આપતી નથી. કોંગી કાર્યકરોને કચડવા માંગે છે. આ બનાવ પછી નિખિલ શાહ સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતુ કે, “હિંદુત્વના નામે અને પછી વિકાસના નામે સત્તામાં આવેલ ભાજપાના રાજમાં હિંદુઓ પણ ખુશ નથી. વિકાસ ક્યાં છે. મોંઘવારી કમરતોડ છે. યુવાનો બેરોજગાર છે. તેના માટે જવાબદાર કોણ..? ભાજપા અને તેની સરકાર નિષ્ફળ ગઈ છે”

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત વિરોધ પ્રદર્શનમાં જિલ્લા, તાલુકા. શહેર અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત હતાં, છતાંય આરોપ એક અદના આગેવાન પર લાગ્યો..! આરોપી નિખિલ શાહે હોર્ડિંગ ને પ્રધાનમંત્રીના ફોટા ઉપર શાહી ફેંકી છે કે નહીં તે તો તપાસનો વિષય છે. પણ જો આ સત્ય હોય તો અગ્રીમ હરોળના નેતાઓએ આ કામગીરી કેમ ન કરી..? અને જો આ આરોપ ખોટો હોય તો અદના કાર્યકર પર દોષનો ટોપલો કેમ..? ઝુઝારૂ નેતા અને મીડિયા સાથે પણ કાર્યરત નિખિલ શાહને જાણનારા માને છે કે કોંગ્રેસના બધાં કાર્યક્રમોમાં તે સક્રિય ભૂમિકા ભજવે છે અને હંમેશા આગળ રહે છે. પણ, જ્યારે હોદ્દાની વાત આવે ત્યારે..?

હાલ નિખિલ શાહ યુથ મોરચામાં ઉપપ્રમુખનુ નાનુ અને ઓછું મહ્ત્વનો કહી શકાય તેવું પદ ધરાવે છે. ત્યારે પાયાના કાર્યકરો અને કેટલાંક આગેવાનો એમ માને છે કે નિખિલ શાહ જેવા ઝુઝારૂ નેતાને પ્રમુખ હોદ્દો કેમ નથી અપાયો..? કે અપાતો..? પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનોએ ફોન કરી પૃછા કરી એ સારી વાત છે, પણ તેઓ એમ કેમ નથી વિચારતા કે આવા યુવાનો જ કોંગ્રેસને બેઠી કરી શકશે. આવા યુવાનને પ્રમુખ હોદ્દા આપવાથી કોંગ્રેસમાં નવસંચાર થવાની શક્યતા વધી જશે. પાર્ટીમાં જોમ અને જુસ્સો વધશે. અને જે ખરા અર્થમાં આગળ રહી આગળ આવી પોતાની કારકિર્દીના જોખમે પણ કોંગ્રેસને આગળ લાવવા મથે છે તેવાં યુવાનોને આગળ કરવાં જ જોઇએ. બાકી હાલ તો ભરૂચ શહેર અને જિલ્લામાં શૂન્ય થઈ ગયેલ કોંગ્રેસ ખરા અર્થમાં શૂન્ય થતા વાર નહીં લાગે.

No comments