ભાજપાએ પ્રમુખ માટે વયમર્યાદા નક્કી કરી; શું કાપવાના-આપવાન નિયમ એક જ..? ભરૂચમાં કોણ..?
ભાજપાના સંગઠન પર્વની શરૂઆત થઈ ગઈ છે અને તે અનવ્યે ટૂંક સમયમાં તાલુકાથી માંડીને દેશ સુધીના નવા સંગઠકોની વરણી થશે. લોકસભાની ચૂંટણી પછી તરત કરાનારી આ કાર્યવાહી છ મહિના લંબાવી દેવાયા પછી હાલ કામગીરી તો કરાઈ રહી છે, પણ સાથોસાથ પ્રદેશ અધ્યક્ષની વરણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કરવાની વાત પણ જાહેર કરાઈ હતી. હવે નવો ફણગો ફૂટ્યો છે..! તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. આ મર્યાદાથી મોટી ઉંમરના નેતા તાલુકા કે જિલ્લા પ્રમુખ બની શકશે નહીં. જે અનુસાર તાલુકા પ્રમુખ બનવા માટે ૪૦ વર્ષ અને જિલ્લા પ્રમુખ બનવા માટે ૬૦ વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી. આવો કોઈ નિયમ પ્રદેશ કે રાષ્ટ્રીય પ્રમુખ કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માટે કરાયો નથી..! કેમ..?
આ
વાત એટલે કરવી પડી રહી છે કે ૨૦૨૦ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પણ આવો જ એક નિયમ
અમલી બનાવાયો હતો. તે અંતર્ગત ટિકિટ માટે ત્રણ ટર્મ અને ૬૦ વર્ષની ઉંમરનો નિયમ બનાવવા
સાથે અઢી વર્ષની ટર્મ દરમિયાન મુખ્ય હોદ્દો મેળવનારને ત્યાર પછીની ટર્મમાં હોદ્દો ન
આપવાની જાહેરાત કરાઈ હતી. આ પહેલાં ધારાસભાની ટિકિટ માટે ૭૫ વર્ષની ઉંમરનો નિયમ પણ
બનાવાયો હતો, જો કે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે આ નિયમ માન્ય ન રાખતા તેમને ટિકિટ
આપવી પડી હતી. આવી જ રીતે તાલુકા-જિલ્લા પંચાયતો અને નગર-મહાનગર પાલિકાઓમાં પણ સક્ષમ
નેતાઓને નિયમ નેવે મૂકી હોદ્દાઓ અપાયા હતાં, જ્યારે જેમને કાપવાના હતાં તે આ જ નિયમ
હેઠળ કપાયા પણ હતાં..!
ખૈર,
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકમાં તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની
ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાની વાત ચર્ચાઈ છે. આ બેઠકમાં સંગઠન પર્વ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ
ઉપરાંત ૩૦ નવેમ્બર સુધી બુથ સુધી કમિટી તૈયાર
કરવા અને ૫ થી ૧૫ ડિસેમ્બર સુધીમાં મંડળની રચના કરવા અંગે ચર્ચાઓ કરાઈ
હતી.
આ બેઠકમાં દિલ્લીથી ભાજપના નેતાઓ વર્ચ્યુઅલી
જોડાયા હતા.
આ
નિયમની વાત કરીએ તો જિલ્લા પ્રમુખની રેસમાં રહેલાં અનેક દિગ્ગજ નેતાઓના અરમાનો પર પાણી
ફરી જશે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો માજી ધારાસભ્ય દુશ્યંત પટેલ (ત્રણેક વર્ષ પહેલાં ૫૮મી વર્ષગાંઠ ઉજવી હતી તે આધારે ૬૧
વર્ષ અને પ્રાપ્ત જન્મતારીખ ફેબ્રુઆરી ૬૫ અનુસાર ૬૦મું
રનિંગ), વરિષ્ઠ આગેવાન, ભાજપા, સંઘ અને સંગઠન સાથે સંકળાયેલ વિજય કોન્ટ્રાકટર (૬૪
વર્ષ), રમેશ મિસ્ત્રી (૬૩ વર્ષ), ઈશ્વર પટેલ (૬૦ વર્ષ
રનિંગ, વિકિપિડિયા મુજબ જન્મતારીખઃ ૨૫/૬/૧૯૬૫),
છત્રસિંહ મોરી (૭૦ વર્ષની આસપાસ) ઉપરાંત અન્ય ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ૬૦ વર્ષની લિમિટની
બહાર નીકળી ગયા છે. ત્યારે સવાલ એ છે કે ભરૂચ જિલ્લા ભાજપા જિલ્લા પ્રમુખ કોને બનાવાશે..?
જ્ઞાતીગત
સમીકરણો ચકાસીયે તો ૬ વર્ષ યોગેશ (પટેલ) અને ૪ વર્ષ
મારૂતિસિંહ અટોદરીયા (ક્ષત્રીય) પછી ઓબીસી આગેવાનની
પ્રબળ શક્યતા અને સંભવના વર્તાઈ રહી છે. તેવા સંજોગોમાં અનિલ રાણા (૫૮ વર્ષ), ધર્મેશ
મિસ્ત્રી (૫૪ વર્ષ), દિવ્યેશ પટેલ (કાછીયા પટેલ) (૫૫ વર્ષ), ફતેસિંહ અને નાગજી ગોહિલ
(૬૦ વર્ષથી ઓછી ઉંમરની શક્યતા. જો કે બિનસત્તાવાર જાણકારી અનુસાર ઉંમર ૬૩ અને ૬૧ વર્ષ
છે.), નિશાંત મોદી (૩૯ વર્ષ) જેવાં નામોની પ્રબળ શક્યતા બની રહી છે. જો પાટીદારને સ્થાન
અપાય તો નિરલ પટેલ (૫૨ વર્ષ) અને ક્ષત્રીય આગેવાનને પુનઃ તક અપાય તો અજયસિંહ રણા...?
કે કોઈ અન્ય..?
શહેર
અને તાલુકામાં આ નિયમની અસર કેવી થશે તે ચર્ચા પછી કરીશુ, પણ, આ નિયમના પગલે શહેર,
તાલુકા અને જિલ્લા સંગઠકોની વરણી પેચિદી બનશે અને રચના પછી આ નવા સંગઠકો કેટલી પ્રબળતાથી
સંગઠન ચલાવી શકશે..? તે સવાલ પણ ઉભો જ છે.
અંતે
એટલું જ કે પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠને મળી બનાવેલ આ નિયમ ખરા અર્થમાં અમલી બનશે કે
બનાવાશે ખરો..? કારણ રીતે તાલુકા-જિલ્લા પંચાયતો અને નગર-મહાનગર પાલિકાઓમાં સક્ષમ નેતાઓને
આવા નિયમ નેવે મૂકી હોદ્દાઓ અપાયા હતાં, જ્યારે જેમને કાપવાના હતાં તે આ જ નિયમ હેઠળ
કપાયા પણ હતાં..! ત્યારે ગણગણાટ એ છે કે ભાજપાના આવા નિયમો કોને કાપવો અને કોને આપવું
તેના માટે છે..?
No comments