ભરૂચને બધાં જ રાજકીય પક્ષોએ પ્રયોગશાળા બનાવ્યો..!
ચૂંટણી હવે માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં પણ ઘણાં બધાં માટે પ્રયોગશાળા બની ચૂકી છે..! ભરૂચ જિલ્લો તો બધાં જ રાજકીય પક્ષો માટે. કારણ..? ઈમરજન્સી પછી આખા દેશમાં કોંગ્રેસ હાર્યું (ઇંદિરા ગાંધી પણ) ત્યારેય પહેલીવાર ચૂંટણી લડનાર એહમદ પટેલ અહીંથી જીત્યા હતા. ને જીત્યા પછી તેમણે પ્રયોગ કર્યો..! રાજીનામું લઈ પહોંચી ગયા ઇંદિરા ગાંધી પાસે. ઇંદિરા ગાંધીને ભરૂચથી ચૂંટણી લડવા ઈજન પાઠવ્યું. ઇંદિરા ગાંધી તેમ ન કર્યું પણ એહમદ પટેલ તેમની નજરમાં વસી ગયા. એહમદ પટેલને આ પ્રયોગ ફળ્યો. ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહન સિંઘના ખાસ બની રહ્યાં. ત્યાર પછીય કોંગ્રેસના પ્રયોગો ચાલું રહ્યાં. ૨૦૧૨માં વાલિયાના સહકારી આગેવાન સંદિપસિંહ માંગરોલને ભરૂચથી ચૂંટણી લડાવી..! કારમી હાર મળી. ૨૦૧૭માં કિરણ ઠાકોરનું નામ જાહેર કર્યા પછી જયેશ પટેલને લડાવ્યા. પુનઃ કારમી હાર મળી. આ વખતે (૨૦૨૨માં) હજુ ભાજપા કોંગ્રેસે નામ જાહેર કર્યા નથી. હા, આમ આદમી પાર્ટીએ પંદરેક દિવસ પહેલાં ‘આપ’માં પ્રવેશ કરનાર મનહર પરમારને ઉમેદવાર જાહેર કર્યા..! ટિકિટના પ્રબળ દાવેદાર એવાં ધારાશાસ્ત્રી આકાશ મોદી અને ઉર્મી પટેલને પડતા મૂકીને. આ પણ પ્રયોગ જ છે.
ભરૂચ ૧૯૯૦ પછી ભાજપાનો ગઢ રહ્યો છે. જિલ્લાની
પાંચ પૈકી ત્રણ બેઠક તો સતત જીતી જ છે, અને આ વખતે ખોટા પ્રયોગો નહીં કરે તો ચાર બેઠક
તો જીતવાની પ્રબળ શક્યતા છે. હાલના ભાજપાના ધારાસભ્યો ઇશ્વર પટેલ ચાર ટર્મથી ચૂંટાય
છે, દુશ્યંત પટેલ ત્રણ ટર્મથી ચૂંટાય છે, વાગરા જેવી બી કેટગરીની બેઠક પરથી અરૂણસિંહ
રણા બે ટર્મથી ચૂંટાય છે. ગત વખતે અને તે પહેલાં ૨૦૧૨માં પણ ભાજપાની વિચારધારા ધરાવતાં
નેતાઓની અપક્ષ ઉમેદવારીને પગલે નજીવા માર્જિનથી હારનાર છત્રસિંહ મોરી ચારવાર વિજેતા
પણ થયાં છે. ગત ટર્મ (૨૦૧૭)માં તેમની હારનું કારણ ખુમાનસિંહ વાંસીયા પુનઃ ભાજપામાં
જોડાઈ ચૂક્યા છે. અને વળી જંબુસરથી છત્રસિંહ મોરી જેટલા બીજા સબળ ઉમેદવાર ક્યાં છે..?
હવે જો ભાજપા પાછા કોઈ પ્રયોગ કરે તો..?
માની લઈએ કે ભરૂચ અને અંકલેશ્વર બેઠકનું પરિણામ ભાજપાની તરફેણમાં જ આવશે. પણ લીડનું
શું..? જે લીડ લોકસભાની જીત માટે નિર્ણાયક છે. તો ઉમેદવાર બદલવાનો પ્રયોગ વાગરા અને
જંબુસરના પરિણામને હાર તરફ લઈ જઈ શકે..! અહીં ભાજપા પાસે અરૂણસિંહ અને છત્રસિંહ જેવાં
પ્રબળ ઉમેદવાર છે પછી કોઈ નીતિગત માપદંડ સિવાય આમને બદલવાનું કોઈ કારણ જણાતું નથી.
હા, પાર્ટી કોઈપણ ઉમેદવારને બદલવા માંગતી હોય તો વર્તમાન ધારાસભ્ય અને તેમેને ચૂંટી
કાઢનાર મતદારો સમક્ષ એવાં સબળ કારણો મૂકવાં જ પડશે કે પક્ષે ઉમેદવાર કેમ બદલ્યો..?
આપણા કળાકારોની હિન્દી
ફિલ્મ
बिना फाटक की रेल्वेलाईन Click link to watch movie
કોંગ્રેસ પણ અખતરો કરવા જઈ રહી હોવાની ચર્ચા
છે. “લગને લગને કુંવારા” આગેવાન સંદિપસિંહ માંગરોલા હવે જંબુસરથી લડવા થનગની રહ્યાં
છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી અને હાલ કોંગ્રેસ પાસે જિલ્લાની જે એક માત્ર વિધાનસભા
છે, અને વિજેતા ઉમેદવાર સંજય સોલંકી કે જે કોળી સમાજમાંથી આવે છે તેવા સમાજનો વિજેતા
ઉમેદવાર બદલવાનો વિચાર પણ કોંગ્રેસને ભારે પડી શકે છે. પડશે. વાગરામાં આપે ક્ષત્રીય
ઉમેદવાર આપ્યો છે. તેઓ સ્થાનિક ન હોય આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. અને આમ પણ આ ઉમેદવાર
કોંગ્રેસ માટે તો ફાયદાકારક જ લાગે છે, ત્યારે ગત ચૂંટણી નજીવા માર્જિનથી હારેલાં સુલેમાન
પટેલને બદલવાનું કોઈ લોજિક કે કારણ દેખાતું નથી. તો ભાજપાને સતત બે ટર્મથી આ બેઠક જીતાડનાર
અરૂણસિંહ રણાને બદલવાનું કોઈ લોજિક દેખાતું નથી..! ભાજપા પગ પર કુહાડો નહીં જ મારે.
ભરૂચ બેઠક માટે વરિષ્ઠ કોંગ્રેસી અંબુભાઈ
મહીડાના ડોકટર પુત્ર વનરાજસિંહ મહિડાનું નામ ચર્ચામાં છે. કોળી (ઓબીસી) આગેવાન જયકાંત
પટેલે પણ ટિકિટ માગી છે. તો હાલ શહેર જિલ્લાના વરિષ્ઠત્તમ આગેવાન અને ગરીબ, પીડીત અને
મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ ઉપર બહુ મોટો પ્રભાવ ધરાવતા સુરેશ મહેતાને પણ કોંગ્રેસે
પ્રબળ દાવેદાર ગણવાં જ જોઈયે. જો કોંગ્રેસ જ્ઞાતીવાદી અભિગમથી ઉપર ઉઠીને વિચારે તો
ભરૂચ માટે જયકાંત પટેલ કે સુરેશ મહેતામાંથી એક ઉમેદવાર બનવો જોઈયે.
અંકલેશ્વર બેઠક પરથી આપે કોળી પટેલ યુવાન
અંકુર પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ભારતના રાજકારણમાં ડિવાઈડ એન્ડ રૂલની જનની કોંગ્રેસ
અંકલેશ્વર બેઠક પરથી વર્તમાના ધારાસભ્ય અને માજી મંત્રી ઇશ્વર પટેલના ભાઈ વિજય પટેલ
(વલ્લભદાસ)ને ‘બલીનો બકરો’ બનાવવાનું મન બનાવી ચૂકી છે..! આ પ્રયોગ માત્ર તેને નહીં
પણ આ વિસ્તારના દિવંગત આગેવાન અને માજી ધારાસભ્ય ઠાકોર ગુમાનના પરિવારને નડી શકે તેમ
છે. તેવાં સંજોગોમાં ભાજપા પાસે ઇશ્વર પટેલ જેટલો સક્ષમ ઉમેદવાર બીજો કોઈ જ નથી. અન્ય
કોઈનું નામ વિચારવાનું પણ ભાજપાને નડી શકે.
ભરૂચ વિધાનસભાની વાત. ૨૦૦૨માં હિંદુવાદી
લહેર અને વિહિપની માંગણીને પગલે ભરૂચથી ઉમેદવાર અને વિજેતા બનેલ રમેશ મિસ્ત્રી ઓબીસી
મતદારોના વર્ચસ્વવાળી આ બેઠકના એકમાત્ર ઓબીસી ધારાસભ્ય રહ્યાં છે. ત્યારબાદ ૨૦૦૭થી
વર્તમાન ધારાસભ્ય દુશ્યંત પટેલ (સતત ત્રણ ટર્મથી) વિજેતા બની રહ્યાં છે. તેમાં પણ છેલ્લી
બે ટર્મથી તો તીસ હજાર કરતાં વધુ લીડથી વિજેતા બની રહ્યાં છે. હાલ તેઓ વિધાનસભામાં
મુખ્ય દંડક પણ છે. કહેવાય છે કે તેમની વિરૂદ્ધ રાજકીય વિરોધનો સૂર બહુ મોટો છે..! હા,
કોઈ વિશેષ પ્રજાકીય વિરોધ જણાતો નથી. તોય એવી ચર્ચા છે કે પાર્ટીએ તેમને બદલવાનું મન
બનાવી લીધું છે..! આ વાત કોણે કોને કહી..? તેનું મોં-માથું મળતું નથી. ટૂંકમાં કહીયે
તો આ રાજકીય મનની ઉપજ કે ગપગોળા છે. હાલની સ્થિતિ જોતાં લાગે છે કે પક્ષ આ બેઠક ઉપર
કોઈ પ્રયોગ નહીં કરે. અને ન જ કરવો જોઈયે. પણ, કોઈ રણનીતિ અનુસાર જો આમ કરાય તો..?
તો ઓબીસી ઉમેદવારો રમેશ મિસ્ત્રી, અનિલ રાણા કે પ્રકાશ મોદી..? કે પછી મહિલા ઉમેદવાર.?
છોટુભાઇના દબદબાવાળી ઝઘડીયા બેઠક માટે કોઈએ
હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી. શક્યતા અનુસાર ભાજપા એક સમયે છોટુભાઈના ખાસ હતા
એવા રવજી વસાવાને આપશે. તો બીટીપીમાંથી તો છોટુભાઈ ઉમેદવાર છે જ. હવે જોવાનુ એ છે કે
કોંગ્રેસ અને આપ કોને ઉમેદવાર બનાવે છે.
અને અંતેઃ ભરૂચ જિલ્લાને રાજકીય પ્રયોગશાળા
બનાવનાર રાજકીય પક્ષોને જીતેલાં ઉમેદવારોને બદલવાનો પ્રયોગ ભારે પડી શકે. હમણાં નહીં
તો લોકસભાની ચૂંટણીમાં તો ખરો જ.
-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619
નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક
વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.
No comments