we







દ્રૌપદી મુર્મૂ આદિવાસી છે તો યશવંત સિંહા કાયસ્થ, જગદીપ ધનખડ જાટ અને માર્ગારેટ આલ્વા રોમન કેથોલિક છે તેવું કેમ બોલાતું નથી..?

     હાલની રાજકીય પરિસ્થિતિ જોતા લાગે છે, “આયા મૌસમ રાષ્ટ્ર્પતિ ચુનાવ કા”. માત્ર ભરતમાં જ નહીં શ્રીલંકા અને ઈંગલેંડમાં પણ ઉચ્ચપદ માટે ચૂંટણીજંગ શરૂ થઈ ગયો છે. ભારતમાં રાષ્ટ્ર્પતિ અને ઉપ રાષ્ટ્ર્પતિની ચૂંટણી છે અને સર્વસંમતિ ન સધાતા ૪૮૦૦ જેટલાં સાંસદો અને ધારાસભ્યો મતદાન કરી રાષ્ટ્ર્પતિ ચૂંટશે. ભાજપાએ ૨૦ જૂન ૧૯૫૮ના રોજ ઓરીસ્સાના મયુરભંજ જિલ્લના ઉપરબેડા ગામના સાંથલ આદિવાસી પરિવારમાં જન્મેલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દ્રૌપદી મુર્મૂ રાજકીય રીતે ભાજપા સાથે જોડાયેલ રહ્યાં છે. મુર્મૂ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેઓ ૬ માર્ચ, ૨૦૦૦ થી ૬ ઓગસ્ટ, ૨૦૦૨ સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને ૬ ઓગસ્ટ, ૨૦૦૨ થી ૧૬ મે ૨૦૦૪ સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા. દ્રૌપદી મુર્મૂ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૪માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. ૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દ્રૌપદી મુર્મૂ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે અને ભારતના રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત થનાર પ્રથમ આદિવાસી છે. તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિજાતિ નેતા હતા, જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી. ૨૦૨૨ની ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ બીજેપીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સત્તાવાર ઉમેદવાર છે.

for Regular News Updates join

www.facebook.com/sncgujarati

તો બીજી તરફ ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપાની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સત્તાવાર ઉમેદવાર જગદીપ ધનખડ સામે કોંગ્રેસ અને વિરોધીઓએ મળી માર્ગારેટ આલ્વાને ઉમેદવાર બનાવ્યાં છે. ૧૪મી એપ્રિલ ૧૯૪૨ના રોજ જન્મેલ માર્ગારેટ આલ્વા રાજકીય રીતે કોંગ્રેસ સાથે જોડાયેલ રાજકારણી છે. કર્ણાટકના મેંગલોર ખાતેના રોમન કેથોલિક પરિવારમાં જન્મેલ માર્ગારેટ આલ્વામાઉન્ટ કાર્મેલ કોલેજ, બેંગ્લોરમાંથી બી.એ. અને તે જ શહેરની સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. માર્ગારેટ આલ્વાગોવા, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી છે.   અગાઉ તેઓ કોંગ્રેસની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આલ્વાએ ૨૪ મે ૧૯૬૪ના રોજ નિરંજન થોમસ આલ્વા સાથે લગ્ન કર્યા હતા. તેઓ એક પુત્રી અને ત્રણ પુત્રોની માતા છે. આ બે મહિલા ઉમેદવારો ભારતના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. જો કે દ્રૌપદી મુર્મૂ સાંથલ આદિવાસી સમાજના મહિલા હોવાની વાતો કરનાર અને તેમને ઉમેદવાર બનાવ્યાનો ગર્વ લેનાર પૈકીનું કોઈ હજુ સુધી એવું કેમ નથી બોલ્યું કે ઉપ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર માર્ગારેટ આલ્વા રોમન કેથોલિક છે. આ પહેલાં રહેલાં ભારતના તમામ ૧૩ ઉપ રાષ્ટ્રપતિ પુરૂષ જ રહ્યાં હોય માર્ગારેટ આલ્વા પહેલાં મહિલા ઉપ રાષ્ટ્રપતિ બની શકે કે બનાવી શકાય તેમ છે.

આ ઉપરાંત દ્રૌપદી મુર્મૂ સામે ઉમેદવારી કરનાર યશવંત સિન્હા પટનાના કાયસ્થ પરિવારમાં જન્મેલ હોવાની વાત કોઈ કેમ નથી કહેતું..? આવી જ રીતે પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બની શકે તેવાં માર્ગારેટ આલ્વાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જગદીપ ધનખડ હિંદુ જાટ પરિવારમાંથી આવે છે..! કેમ કોઈ બોલ્યુ નથી.? દ્રૌપદી મુર્મૂ આદિવાસી મહિલા છે તો યશવંત સિંહા હિંદુ કાયસ્થ, જગદીપ ધનખડ હિંદુ જાટ અને માર્ગારેટ આલ્વા રોમન કેથોલિક છે તેવું કોઈ બોલતું કેમ નથી..? કારણ આદિવાસી, શિડ્યુલ કાસ્ટ કે ઓબીસીને કંઈપણ અપાય ત્યારે વ્યક્ત કરાય છે, કહેવાય છે તેનો ઢંઢરો પિટાય છે કે અમે તમને આપ્યું..!

આ વાત આટલેથી નથી અટકતી, રાજ્ય સરકારના મંત્રીમંડળોમાં મોટાભાગે આદિવાસી જ્ઞાતીવાળા મંત્રીને આદિજાતી વિકાસ, શિડ્યુલ કાસ્ટ જ્ઞાતીવાળા મંત્રીને સામાજિક ન્યાય અને ઓબીસીને યુવક સેવા, મહિલા અને બાળ કે પ્રવાસન જેવાં વિભાગો જ અપાય છે. મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની આસપાસના દસ વગદાર મંત્રીઓ બ્રાહ્મણ અને તે સિવાયના બહુમતી ક્ષત્રિય કે અન્ય સવર્ણ સમાજના હતાં તેની ચર્ચા ક્યારેય કરાઈ નથી..! પણ હાલના મંત્રીમંડળમાં ચાલિસથી વધુ ઓબીસી મંત્રી છે તેવું છાશવારેઅ સંભળાય છે.

ખૈર..! દ્રૌપદી મુર્મૂને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્ર્પતિ બનાવવાની ગુલબાંગ હાંકનારા પ્રથમ મહિલા અને તે પણ રોમન કેથોલિકને કેમ ઉપ રાષ્ટ્ર્પતિ બનાવતા નથી..!..?

No comments