ઉત્તર-દક્ષિણથી એક-એક કાર્યકારી અધ્યક્ષનો કામરાજ પ્લાન કોંગ્રેસને બચાવી શકશે..?
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેક-અપ માટે વિદેશ જઈ રહ્યાં છે, તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ હશે. એક તરફ જ્યારે પાર્ટીના આગામી અધ્યક્ષની ચૂંટણી અંગે ભારે અટકળો ચાલી રહી છે, તેની વચ્ચે અણધારી વિદેશ યાત્રા રાજકીય કન્ફ્યુઝન વધારી રહી છે. આમ પણ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરી કન્ફ્યુઝનમાં ઉમેરો કર્યો હતો અને હવે..?
જો કે વિદેશ જતાં પહેલાં સોનિયાએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. ગેહલોત કોંગ્રેસ પાર્ટીની બાગડોર રાહુલ ગાંધી સંભાળે તેની તરફેણમાં છે. જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ નહીં બને તો દેશના કોંગ્રેસીઓ માટે તે નિરાશાજનક હશે. ઘણા લોકો ઘરે બેસી જશે. દેશના સામાન્ય કોંગ્રેસ લોકોની ભાવનાઓને સમજીને આ પદ જાતે સ્વીકારવું જોઈએ. આ વાત ત્યારે આવી છે જ્યારે કામરાજ પ્લાન અનુસાર સોનિયા ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષપદે કાર્યરત રહેશે અને તેમના સહાયક તરીકે બે કાર્યકારી પ્રમુખ (ઉત્તર અને દક્ષિણ ભારતમાંથી એક એક)ની નિમણૂક કરવામાં આવશે.
આ વિચાર અન્વયે ઉત્તર ભારતમાંથી કાર્યકારી
અધ્યક્ષ તરીકે સચિન પાયલોટનું નામ ચાલી રહ્યું છે. મનાઈ રહ્યું છે કે રાહુલ
ગાંધી અશોક ગેહલોટના નામ માટે તૈયાર નથી, વળી રાજસ્થાનમાં સચિન
પાયલોટ અને ગેહલોટ વચ્ચેનો રાજકીય ગજગ્રાહ બધાંને ખબર જ છે. રાહુલ સચિન પાયલોટ માટે સહમત છે, અને તેમના મૂળ વિચાર અનુસાર યુવા નેતૃત્વને
આગળ લાવવાની વાત પણ સધાઈ રહી છે. દક્ષિણ ભારતમાંથી કાર્યવાહક પ્રમુખ માટે કોને બનાવાશે તે હાલ તો નિયત નથી, પણ મલ્લિકાર્જુન
ખડગે હશે..? જો કે દક્ષિણ ભારતમાંથી પણ યુવાન
અને સક્ષમ નેતાની શોધ ચાલે છે. આ પાછળનું
મુખ્ય કારણ એ છે કે યુવાનો રાહુલની પણ પસંદગી છે અને તેઓ પક્ષ પ્રમુખ (સોનિયા ગાંધી) ઉપરનો બોજો હળવો કરી શકે. નાના નાના મુદ્દાઓ
સંભાળી શકે. પક્ષ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ
અંતરંગ વર્તુળો જણાવે છે કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં કોંગ્રેસ-
કાર્યકારિણી અને રાષ્ટ્રીય અધ્યક્ષપદ નિશ્ચિત થઈ જશે.
આ બધું 'કામરાજ
પ્લાન' હેઠળ કરાઈ રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે જે તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. કામરાજે તામિલનાડુના
મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીને જાહેરાત કરી હતી કે તમામ સિનિયર કોંગ્રેસી નેતાઓ
જે વર્ષોથી હોદ્દા પર છે તેમણે રાજીનામાં આપી દેવાં જોઈએ અને પાર્ટીના સંગઠન માટે
કામે લાગવું જોઈએ, કારણ કે દિવસે દિવસે કોંગ્રેસ જનતા સાથેનો
સંપર્ક ગુમાવી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ પ્રજા વચ્ચે જશે તો ફરી પાછો
કોંગ્રેસ અને પ્રજાનો સંપર્ક તાજો થશે. એ સમયે કે. કામરાજના આ પ્લાનને વડાપ્રધાન
નેહરુએ પણ વધાવી લીધો હતો અને કામરાજ પ્લાન હેઠળ કોંગ્રેસના ૬ યુનિયન મિનિસ્ટર અને ૬ ચીફ મિનિસ્ટરે રાજીનામાં આપવા
પડયાં હતાં, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી, જગજીવનરામ, બીજુ પટનાયક, મોરારજી
દેસાઈ, એસ.કે.પાટીલે પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં અને
ઉત્તરપ્રદેશ (યુપી)ના ચંદ્રભાનુ ગુપ્તા, મધ્યપ્રદેશના
માંડલોઈ (એમપી), ઓડિશાના બીજુ પટનાયક જેવા મુખ્યમંત્રીઓને પણ
રાજીનામાં આપવાં પડ્યાં. આ પછી એ જ વર્ષે કામરાજને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ
બનાવવામાં આવ્યા. ત્યારથી કોંગ્રેસે કામરાજ પ્લાન પ્રમાણે સરકાર અને સંગઠનની
કામગીરી ચલાવી હતી.
હાલ કોંગ્રેસ માંડ બે રાજ્યમાં
સત્તા ઉપર છે, ત્યારે કામરાજ પ્લાનનો બીજો હિસ્સો કાર્યરત કરાવાની વકી છે. જે અનુસાર
સત્તાનુ બેલેંસ કરવા ઉત્તર અને દક્ષિણ ભારતમાં સત્તાનું સુકાન વહેંચાવું જોઈએ. કોંગ્રેસ
હાલ આ પ્લાન મુજબ આગળ વધી રહી હોવાનું મનાઈ રહ્યું છે. તેવાં સમયે અત્યાર સુધી ચર્ચાયેલ
અશોક ગેહલોટ અને મલ્લિકાર્જુન ખડગેના નામ પર રાહુલ ગાંધીનો નકાર અને સચિન પાયલોટ અને
બીજા..? કેરળ કોંગ્રેસના પ્રમુખ કે.સુધાકરન..? જો યુવા નેતૃત્વની વાત હોય તો, કે.સુધાકરન
તો ૭૪ વર્ષના છે. તો બીજું એક નામ છે રમેશ ચેનીથલા, ૬૬ વર્ષીય ચેનીથલાને હાલ ગુજરાત
વિધાનસભાની ચૂંટણી માટેની સ્ક્ર્નિંગ સમિતિના ચેરમેન બનાવાય છે. એક યુવાન અને બીજા
વરિષ્ઠની થીયરી પણ અમલી બનાવી શકાય. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસ ૨૦૨૪ લોકસભાની ચૂંટણી
પહેલાં વહેલામાં વહેલી તકે સંગઠીત થવા માંગે છે.
અને અંતેઃ કામરાજ પ્લાન કોંગ્રેસને
ફળશે..? અશોક ગેહલોટ કાર્યકારી પ્રમુખ બનવા મુખ્યમંત્રી પદ છોડશે..? કટ્ટર રાજકીય હરીફ
સચિન પાયલોટને નજર સામે મોટા આગેવાન થવા દેશે..? એક મહિનામાં નવી નિમણૂકો થશે કે પાછા
ઠેરના ઠેર જ રહેશે..? જૂઓ સમયના ગર્ભમાં શું છુપાયું છે..?
નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક
વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.
No comments