we







શું ભાજપા સંજય સોલંકીને ગોળ ને છત્રસિંહને ખોળની નીતિ અપનાવશે..!

        ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન કર્યુ છે કે, કોંગ્રેસના તમામ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ ના કપાઈ તેની વાલી તરીકે મારી જવાબદારી છે. સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. તો બીજી સુખરામ રાઠવાના નિવેદન પછી કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપતા જણાવ્યું કે તમામ ધારાસભ્યની કામગીરીનું મુલ્યાંકન થઇ રહ્યું છે. સંકલન થઇ થઇ રહ્યું છે નીતિ થોડા સમય બાદ જાહેર કરાશે તેમ જણાવ્યું. તો ટીવી ડીબેટમાં વરીષ્ઠ કોંગ્રેસી ગઢવીએ કહ્યું કે જે ધારાસભ્યનું પર્ફોમન્સ નબળું હશે તેમનું પત્તુ કપાશે..! કદાચ ૭૭ ધારસભ્યોવાળી કોંગ્રેસ એટલે જ ૬૩ પર પહોંચી ગઈ છે અને થોડા સમયમાં બીજા છ…



ખૈર, આજે વાત કરવાની છે, ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય સંજય સોલંકીની. ૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસમાં જેમની હાક અને ધાક હતી તેવાં તત્કાલીન ગુજરાત સરકારના મંત્રી મગન સોલંકીના ભત્રીજા સંજય સોલંકી કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાના તર્ક વિતર્કો ઘણાં સમયથી ચાલી રહ્યાં છે. તો ૨૦૦૭માં જંબુસરથી ચૂંટાયેલ કોંગી ધારાસભ્ય કિરણ મકવાણા કોંગ્રેસ સાથે ક્યારના છેડો ફાડી ચૂક્યા છે. સુખરામ રાઠવાના નિવેદન પછી હાલ તો એમ લાગી રહ્યું છે કે સંજય સોલંકીના બન્ને હાથમાં લાડવા છે.

જંબુસર બેઠક પર પાંચવાર જીત અને બે વાર પાતળા માર્જીનથી હાર મેળવનાર ભાજપા અહીંથી નવો ઉમેદવાર શોધી રહી છે. માજી મંત્રી અને અહીથી પાંચવાર જીતનાર છત્રસિંહ મોરીને આ વખતે ટિકિટ નહીં મળે તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે, અને એટલે જ તેમણે પુત્ર વનરાજસિંહનું નામ આગળ કર્યું હોવાની ચર્ચા ચાલી છે..! જો કે સત્ય એ છે કે સી. આર. ના આવ્યા પછી APMCની ચૂંટણી પક્ષના બેનર પરથી લડવાના મુદ્દે વનરાજસિંહે આગેવાની લીધી હતી અને ૧૬માંથી ૧૫ બેઠકો જીતી હતી, તો આ સામા પક્ષે ચૂંટણીની એક્માત્ર સીટ ધારાસભ્ય સંજય સોલંકી માત્ર ચાર મતે જીત્યા હતા. કદાચ એટલે છત્રસિંહ મોરીના દીકરાનું નામ ચર્ચાઈ રહ્યું છે. બાકી પ્રાપ્ત માહિતીનુસાર ન તો છત્રસિંહે આજ સુધી ટિકિટ માંગી છે અને ના તો તેમના દીકરાએ. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં પેટાચૂંટણી જીત્યા પછી બીજા જ દિવેસે યુવા મોરચાના ઉપાધ્યક્ષ, પછી હળપતી વિભાગના ચેરમેને, નરેંદ્રભાઈ અને આનંદીબહેનના મંત્રીમંડળમાં રાજ્ય મંત્રી, જિલ્લા ભાજપાના પ્રમુખ રહી ચૂકેલ છત્રસિંહ હાલ જિલ્લાના વરીષ્ઠત્તમ આગેવાન છે.

તો બીજી તરફ આ વિસ્તારમાં અનેકવિધ કાર્યો કરનાર સંત ડી. કે. સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. તો એક વર્ગ એવું ગણીત પણ ગણી રહ્યો છે કે જો સંજય સોલંકી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપામાં આવી જાય તો ભાજપા સંજય સોલંકીને ટિકિટ આપશે. આમ હાલની સ્થિતિ જોતાં સંજય સોલંકીના બન્ને હાથમાં લાડવા દેખાઈ રહ્યાં છે.

જંબુસર વિધાનસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો ૧૯૯૦ સુધી અહીં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. તેમાં પણ ૧૯૭૨થી ૧૯૯૦ સુધી તો વર્તમાન ધારસભ્યના મોટા પપ્પા મગનભાઈ સોલંકીનો જ. ૧૯૯૦માં પહેલીવાર ભાજપાના પૂજાભાઈ મોરી (છત્રસિંહ મોરીના પિતા) મગન સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. તેમના અવસાન પછી ૧૯૯૨ની પેટાચૂટણીમાં અને ત્યારબાદ ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨માં છત્રસિંહ મોરી, ૨૦૦૭માં કિરણ મકવાણા, ૨૦૧૨માં છત્રસિંહ મોરી અને ૨૦૧૭માં સંજય સોલંકી વિજેતા થયા હતા. આ બેઠક પરથી ૨૦૦૭ અને ૨૦૧૭માં છત્રસિંહ મોરીની હાર પાછળ કોંગ્રેસ કરતાં ભાજપાના આંતરીક પરીબળો વિશેષ જવાબદાર છે. કારણ ૨૦૦૭માં છત્રસિંહ માત્ર એકાદ હજાર મતે હાર્યા ત્યારે ભાજપાની હિંદુવાદી ભગીની સંસ્થાના મુકેશ જાદવ અપક્ષ લડ્યા અને ત્રણેક હજાર મત મેળવ્યા હતાં. તો ૨૦૧૭માં મૂળ ભાજપાના પણ સત્તા માટે શંકરસિંહના બળવાના ભાગીદાર અને રાજપા ને કોંગ્રેસમાં ફરી પુનઃ ભાજપામાં આવનાર ખુમાનસિંહ વાંસીયાએ બીજીવાર પક્ષ સાથે ગદ્દારી કરી જંબુસરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા ભાજપી મતોના વિભાજનને કારણે છત્રસિંહે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ પણ જંબુસર બેઠક જાતીય અને રાજકીય સમીકરણોને લીધે ઓછા માર્જીનવાળી આ સીટ બી કે સી કેટગરીની ગણાય છે. અહીથી પાંચવાર છત્રસિંહ અને એક્વાર તેમના પિતા જીત્યા છે, અને ૧૯૯૦થી ૨૦૨૨થી બત્રીસ વર્ષના ગાળામાં બે-વાર છત્રસિંહ કેમ હાર્યા તે ઉપર નોંધી લીધું હોય અહીં તે રીપીટ કરતો નથી.

જો ભાજપા નો રીપીટ કે ઉંમર અને ચૂંટણી લડ્યાની સંખ્યાના આધારે કોઈને પણ ટિકિટ ન આપવાનો નિર્ણય કરી ચૂકી હોય તો તે પક્ષનો વિશેષાધિકાર છે, પણ વિરોધી ઉમેદવાર પક્ષનો વિરોધ કરી આવે છે અને તેને ટિકિટ આપવા માટે પોતાનાને કાપવાની નીતિ ભાજપા અપનાવવાની હોય તો તે “કુહાડા પર પગ મારવા” સમાન છે. જંબુસર હોય કે અન્ય બેઠક પક્ષ વર્તમાન ધારાસભ્ય કે સિનિયર આગેવાનોને ટિકિટ ન આપવા માંગતી હોય તો કંઈ નહીં, પણ વિરોધીને લાવી તેને ભગવાન બનાવવાની નીતિ ભાજપાને જરૂર નડશે.

ડો. તરુણ બેંકર

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments