we







ભરૂચમાંથી પટેલ જાય તો બીજોય પટેલ જ આવશે..?

પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલની ભરૂચ ખાતેની કથિત શુભેચ્છા મુલાકતના પગલે શરૂ થયેલ રાજકીય સળવળાટનો દરેક પોતાની રીતે અથવા પોતાના માટે હિતકારી હોય તેવો અર્થ કાઢી રહ્યાં છે..! આમ તો ૨૦૧૨થી જ ભરૂચના વર્તમાન ધારાસભ્ય દુશ્યંત પટેલને ટિકિટ ન મળે તેની ચળવળ અંદરખાને ચાલી હતી કે ચલાવાઈ હતી. ૨૦૧૭માં તે ચરમ ઉપર હતી, કહેવાય છે કે ધારાસભ્ય દુશ્યંત પટેલ સિવાય આખી રાજકીય પાર્ટી અને તેનું સંગઠન તેમની વિરુદ્ધ હતું..! પણ પટેલે પણ ‘કચ્ચી ગોટીયાં નહીં ખેલી થી’ બીજા લિસ્ટમાં તેમનું નામ આવી જ ગયુ હતુ. હાલ આ વાત એટલે ચર્ચામાં આવી છે કે લીધી છે, કારણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રવાસે છે. આમ તો હાલ એ મહામહીમ છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. એટલે કોઈ પણ પક્ષના રાજકીય પક્ષના નિર્ણયોમાં તેમની સત્તાવાર દખલ ન હોય શકે. પણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન તેઓ ભરૂચ પણ આવ્યાં અને જેમને દીકરી સમાન ગણે છે તેવાં શૈલાબહેન પટેલના ઘેર શુભેચ્છા મુલાકાતે ગયાં. શૈલાબહેન મહિલા ઉદ્યમી પણ છે, વરીષ્ઠ આગેવાન પણ છે અને જિલ્લા પંચાયતના સભ્ય પણ છે.

ચર્ચા અનુસાર માથે આવીને ઉભેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ૨૦૧૨ અને ૨૦૧૭ની જેમ ૨૦૨૨માં પણ દુશ્યંત પટેલને ટિકિટ ન મળે તેનું અભિયાન ચલાવાશે..! ચલાવઈ રહ્યું છે. આ ચળવળના ભાગરૂપે બીજાં પાટીદાર આગેવાનોને પણ ટિકિટની દોડમાં ઉતારાયા છે અથવા તો ઉતારાશે. આ આગેવાનોમાં શૈલાબહેનનું પણ નામ હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત નરેશ પટેલ, નીરલ પટેલ કે યોગેશ પટેલના નામો વહેતા થાય કે કરાય તો નવાઈ નહીં..! આનંદીબહેન પટેલની ગુજરાત અને ખાસ કરીને ભરૂચની મુલાકાતને તેની સાથે જોડી રાજકીય ગરમાવો લવાઈ રહ્યો છે..! કહેવાય છે કે શૈલાબહેન જિલ્લા પંચાયત પ્રમુખના સબળ દાવેદાર હતાં. પણ રાજકીય સમીકરણો તેમની વિરુદ્ધ હતાં કે કરાયા..! પરિણામે મોં સુધી આવેલ કોળીયો…

ખૈર..! ભરૂચ વિધાનસભાના રાજકીય સમીકરણની વાત કરીએ તો ત્રણ ટર્મ બિપિનભાઈ શાહ, એક ટર્મ રમેશ મિસ્ત્રી અને ત્રણ ટર્મથી દુશ્યંત પટેલ ધારાસભ્ય છે. બિપિનભાઈ શિક્ષણ રાજ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. તો દુશ્યંત પટેલ નાયબ મુખ્ય દંડક છે. મતોની વાત કરીએ તો કોઈ એક જ જ્ઞાતી અન્વયે લઘુમતી (મુસ્લિમ) સમાજના સૌથી વધુ મતો છે. લગભગ ૨૦%થી પણ વધુ. ભાજપા આ જ્ઞાતીને તો ટિકિટ આપે નહીં, એટલે બીજો નંબર ઓબીસી સમાજનો આવે. જો કે અહીં કોળી કે ઠાકોર નહીં પણ અન્ય ઓબીસીના મતો સવિશેષ છે. આ જ્ઞાતીના દાવેદારોમાં રમેશ મિસ્ત્રી, અનિલ રાણા કે પ્રકાશ મોદીના નામની ચર્ચા કરી શકાય. અથવા તો થઈ શકે.

તો વળી ક્ષત્રીય આગેવાનોનું પણ ભરૂચ શહેર અને જિલ્લા સંગઠન ઉપર પ્રભુત્વ રહ્યું છે. છેક ખુમાનસિંહ વાંસીયાથી મારૂતિસિંહ અટોદરીયા સુધી. આ વચ્ચે દેવેન્દ્રસિંહ સોલંકી અને બળવંતસિંહ ગોહિલ જિલ્લા અધ્યક્ષ બન્યાં. ભરતસિંહ પરમાર તો પાંચ ટર્મ સુધી પ્રદેશ મહામંત્રી અને એક ટર્મ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા. ૨૦૦૭ પછી ભાજપામાં આવેલ અરૂણસિંહ રણા પણ બે ટર્મથી વાગરાના ધારસભ્ય છે. ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન છે. બેંક અને ખેતીવાડી ઉત્પન્ન બજાર પર તેમનો દબદબો છે. હાલની સ્થિતિ જોતાં ભરતસિંહ પરમાર અને મારૂતિસિંહ અટોદરીયાગને ભરૂચ વિધાનસભાના દાવેદાર ગણવા જ પડે.

ભાજપાના શાસન અને સંગઠનની વાત કરીએ તો એકાદ વર્ષ પહેલાં મોટી નવાજૂની કર્યા પછી હાલમાં જ નંબર ટુ અને થ્રી કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના ખાતા આંચકી લીધાં છે. તો બીજી તરફ માથે આવેલ ચૂટણીમાં ૨૭ વર્ષની સરકાર વિરોધી લહેર ખાળવા ‘નો રીપીટ’ સુધી જવાય તો નવાઈ નહીં. આમ ન કરે તો પણ ૬૦ થી ૭૦ ધારસભ્યોના પત્તા કપાઈ તેવી ચર્ચાઓ આકાર લઈ ચૂકી છે. ત્યારે હાલ અંક્લેશ્વરના ધારાસભ્ય અને માજી મંત્રી ઇશ્વરસિંહ પટેલને રીપીટ નહીં કરાઈ તેવી વાતો વહેતી થઈ છે. ૨૦૧૭માં ભાજપાની જ બગાવત અને તેમના પાછા ભાજપામાં પ્રવેશવાળી નીતિ વચ્ચે જંબુસર બેઠક પરથી હારેલાં પાંચ ટર્મ વિજેતા માજી ધારસભ્ય અને માજી મંત્રી છત્રસિંહ મોરીનું પણ પત્તું કપાવાની પ્રબળ શક્યતા છે. ત્યારે ભરૂચ અને વાગરા આ કાપાકૂપીમાંથી બચી જશે..?

ભરૂચ વિધાનસભાની વાત પર પરત ફરીએ તો ભાજપા માટે ‘એ’ ગ્રેડની ગણાતી સીટ માટે હાર કે જીત નહીં પણ કેટલા મતે જીત તે સવાલ બને છે. ભાજપા કોઈને પણ ટિકિટ આપે, તેની જીત નિશ્ચિત છે. તેવાં સમયે પક્ષ કોને ઉમેદવાર બનાવશે તે જ પ્રશ્ન છે. બાકી પરિણામ તો આજનું નક્કી છે. ત્યારે ચોક્કસ નીતિ નિર્ધારણ સિવાય કોઇને પણ કાપવો કે કોઇને પણ ટિકિટ આપવાની વેતરણ લઈને બેઠેલાઓએ એકવાત સમજી લેવી જ રહી કે પટેલ કપાશે તો બીજોય પટેલ આવશે તેની શક્યતા નહીંવત છે. અને લાઈન લગાવી ઉભેલાં કે પતાશુ ખાવા મોં ખોલીને ઉભેલાં જાણે જ છે કે મોદી આશ્ચર્ય સર્જવામાં માહેર છે. કોઈના મનમાં પણ ન હોય તેવું નામ પણ આવી શકે.

ડો. તરુણ બેંકર

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments