ભરૂચ ભાજપાને મનનું સુખ કેમ નથી મળતું..?
ભરૂચના સાંસદ મનસુખ વસાવા છ ટર્મથી જીતી રહ્યા છે. તે પહેલાં ચંદુભાઈ દેશમુખ ચારવાર જીત્યા હતા. આમ ભાજપા જે બેઠક સતત દસ ટર્મથી જીતી રહ્યું છે ત્યાં ભાજપના મનનું સુખ હરામ થઈ ગયું છે..¦ કેમ..? તો જવાબ મળશે સાંસદ મનસુખ વસાવાના બખાળા..¦ પણ આ પૂર્ણ સત્ય નથી. એક આખી લોબીને મનસુખ વસાવા ગમતા નથી. કારણ તેમની સાથે સંકળાયેલાં અનેક મુદ્ઓ એવાં છે જેમાં મનસુખ વસાવા તેમની સાથે સેટ નથી થતા..¦ અથવા તો મનસુખ વસાવા આ લોકોના સેટિંગને વારંવાર અપસેટ કરી ચૂકયા છે. કરી રહ્યાં છે. તો બીજી મનસુખ વસાવા તરફે એવી વાત પણ છે કે તેઓ અમુક લોકોને જ પોતાના ખોળામાં બેસાડી વ્યકિતગતપણે વ્હાલા–દવલાની નીતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત ગમે ત્યારે ગુસ્સામાં આવી જઈ જાહેરમાં અધિકારી, સરકાર કે નેતા વિરૂદ્ધ નિવેદન કરે છે. પરિણામે નરેન્દ્ર મોદીના વ્હાલા અને સી. આર. પાટીલના વડીલ મનસુખ વસાવા દિન–પ્રતિદિન તેમની લોકપ્રિયતા ગુમાવતાં જઈ રહ્યાં છે..!
કહેવાય છે કે તાજેતરમાં તો તેમણે હદ
કરી..! કોઈ એક મુદ્દે આડા ફંટાઈને પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ
અધવચ્ચે છોડી બહાર નીકળી ગયા..! જો કે એક વર્ગ આમ ન થયું હોવાનો ખુલાસો કરી
ચૂકયો છે. ચર્ચા અનુસાર જિલ્લા પંચાયતમાં પોતાના વ્હાલાને ફરીવાર કી–પોસ્ટ અપાવવાની
બબાલ આની પાછળ જવાબદાર છે..! ખૈર, વાત સાચી હોય કે ખોટી પણ ગાંધીનગરથી ભરૂચ આવ્યા પછી મીડિયા સમક્ષ હૈયાવરાળ (બળાપો) ઠાલવવાની તૈયારી કરી હતી. જો કે સંગઠનના
લોકોએ ડારતા તાત્કાલીક તો માની ગયા હતા, પણ રાજપીપળા જઈ પત્રકારો સાથે વાત કરી
હતી. અને તેમાં ભાજપાના ચાર આગેવાનો ઘનશ્યામ પટેલ, દર્શના દેશમુખ, રીતેશ વસાવા, અને પ્રકાશ
દેસાઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ તેમની વિરુદ્ધ ગેરમાર્ગે દોરતા
હોવાનો ખુલ્લો આરોપ લગાવ્યો હતો. આ ચાર નેતાઓ અને તેમની ટીમ પ્રદેશ અને સરકારમાં
મનસુખ ભાઈ નેગેટિવ વાતો કરી, પાર્ટી તેમજ સરકાર વિરુદ્ધ કાર્ય કરી રહ્યાં હોવાની કાન
ભંભેરણી કરી રહ્યાં હોવાના આરોપ પછી તેમની સાથેનાં અને રેતી, ખનન, ઉધોગ સાથે
સંકળાયેલાં લોકોના કાળા કામોના ચિઠ્ઠા પણ ખોલ્યાં હતાં..! ચૈતર વસાવા અને
હરેશ વસાવા ભાજપમાં આવવાના હતા જેને પણ મનસુખ વસાવાએ આવતા રોક્યા હોવાની વાતો આ
નેતાઓએ કે તેમની ટીમે વહેતી કરી હોવાનો આક્ષેપ કરી તેમને રાજકીય રીતે બદનામ કરવાં મથનારાઓ
વિરૂદ્ધ આક્રોશ વ્યકત કર્યો હતો.
ખૈર..! રાજકીય પક્ષોમાં ઘમાસાણ તો ચાલતું જ રહે છે, પણ આ રાજકીય કમઠાણ પાછળ ભરૂચ લોકસભાની ટિકિટ માટેનું ગણિત પણ કારણભૂત મનાઈ રહ્યું છે. કારણ છેલ્લાં કેટલાંક સમયથી એવી વાત વહેતી થઈ છે કે આ વખતે મનસુખ વસાવાને ટિકિટ નહીં મળે. વળી મનસુખભાઈ પણ કહી ચૂકયા છે કે મને ટિકિટ મળે કે ન મળે તેના માટે હું આ બધું નથી કરી રહ્યો. ટૂંકમાં છ ટર્મના સાંસદ રીપીટ ન થાય તેવી સ્થિતિમાં નવો ઉમેદવાર કોણ..? શકયતા ચકાસી રહેલાં લોકો ઘનશ્યામ પટેલ અને દર્શના દેશમુખને પ્રબળ દાવેદાર માને છે. તો બીજી તરફ સામાન્ય બેઠક હોવાં છતાંય સતત દસ ટર્મથી અનામત જ્ઞાતીનો ઉમેદવાર સામાન્ય આગેવાનોને અકળાવી રહ્યો છે. વળી જે ભરૂચ લોકસભામાં મતદાર પણ નથી તેવાં નર્મદા જિલ્લાના ઉમેદવાર જ કેમ..! તે મુદ્દો પણ અંદરખાને તો સતત ચર્ચાતો રહ્યો છે. આ બધાં પડળો સમજીએ તો આરોપો પાછળનું રાજકારણ સમજી શકાય. છતાંય એ મુદ્દો પ્રસ્તુત છે કે, ભરૂચ જિલ્લાનો અને સામાન્ય ઉમેદવાર કેમ નહીં..? ભરૂચ જિલ્લામાં ઓબીસી મતો સૌથી વધારે હોય તો ઓબીસી ઉમેદવાર કેમ નહીં..?
નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.
-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619
No comments