we







શંકરસિંહ એકની એક પીપૂડી ક્યાં સુધી વગાડ્યા કરશે..? વાગશે ખરી..?

 ૮૫ વર્ષના શંકરસિંહ વાઘેલા એક સમયે ગુજરાતના રાજકારણમાં હુકમનો એક્કો ગણાતા, પણ મુખ્યમંત્રી બનવાની લ્હાયમાં ભાજપા સાથે છેડો ફાડી કોંગ્રેસના ખોળામાં બેઠા પછી એક વર્ષ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ટકી શક્યા નહોતા. રાષ્ટ્રીય જનતા પાર્ટીની પીપૂડી વાગી નહીં એટ્લે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાયા. વીસેક વર્ષ કોંગ્રેસમાં રહ્યા પછી ત્યાં પણ વાંકુ પડતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. ત્યાં તો વરસેકમાં જ મોહભંગ થયો..! વચમાં જનવિકલ્પ મોરચો અને હવે પ્રજશક્તિ ડેમોક્રેટિક પાર્ટી..! ત્યારે સવાલ એ છે કે શંકરસિંહ એકની એક પીપૂડી ક્યાં સુધી વગાડ્યા કરશે..? વાગશે ખરી..?



બાપુના હુલામણા નામથી જાણીતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવાનો નિર્ણય લીધો છે. જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લઈ તેની જાહેરાત કરી છે. જો કે સત્તાવાર જાહેરાત ૨૨મી નવેમ્બરે કરશે. આ પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી તરીકે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમાર  અને ખજાનચી તરીકે પાર્થેશ પટેલને જવાબદારી સોંપી છે. શક્યતઃ બાપુવાદ’ના પાયા પર ઉભેલ આ પાર્ટીનો હેતુ શું હોય શકે..?



ખૈર, થોડો સમય પહેલાં શંકરસિંહ અને અમિત શાહ વચ્ચેની મુલાકાત પછી આ જાહેરાત એ મુલાકાતની ફળશ્રૃતિ છે કે નહીં ત તો આગામી સમય બતાવશે. પણ નિવૃત્ત થવાની વયસીમા ક્યારની વટાવ્યા પછીય આ ધખારા ફારસરૂપ લાગે છે. ‘લગને લગને કુંવાર’ જેવી કહેવત યાદ અપાવે છે. તો સાથોસાથ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ જેવા સેવાભાવી ડૉકટરની સેવાકીય સુવાસ પર પણ દુર્ગંધના પહેરા સમાન બને તો નવાઈ નહીં..! ટનાટન સરકાર અને રાજકારણની વાત કરનાર શંકરસિંહ વાઘેલા કસમયે અધકચરા નિર્ણયો લઇ રાજકારણમાં વારંવાર ફંગોળાયા તો છે જ, હવે ઢળતી ઉંમરે આ કામ ‘ધોળામાં ધૂળ પડવા જેવું’ તો નહીં બને ને..?

No comments