મનસુખ વસાવા કલેકટરોના ‘વહિવટ’ (હપ્તા)ની ફરીયાદ સંસદમાં કેમ કરતા નથી..?
ભરૂચના
સાંસદ અને પૂર્વ કેંદ્રીય રાજ્યમંત્રી મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને
પત્ર લખી ગેરકાયદે રેતી ખનનમાં ભરૂચ, નર્મદા અને વડોદરાના કલેક્ટર, પ્રાંત અધિકરી, ખાણખનીજ
વિભાગ, પોલીસ અધિકારીઓ અને સંલગ્ન તાલુકા-જિલ્લાના રાજકિય નેતાઓ ‘વહિવટ’ (હપ્તો) લેતાં હોવાની ફરિયાદ કરી છે.
સોશિયલ મીડિયા પર ફરતી થયેલ આ પોસ્ટ પછી સવાલ એ ઉઠે છે કે છાશવારે
ફરીયાદ કરતાં સાંસદ આ મુદ્દે સંસદમાં રજૂઆત કેમ કરતા નથી..?
અત્રે
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શુક્લતિર્થના મેળા સમયે ચાર લોકોના ડુબી
જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની મિટિંગમાં તે મુદ્દો ઉડાવી તેની ખાસ ચર્ચા કરી
ગેરકાયદે ચાલતી આ પ્રવૃત્તિ બંધ કરાવા જણાવ્યું હતું. મનસુખ વસાવાએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ છેઃ “ મારું સ્પષ્ટ માનવું છે
ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી,
પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના
અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગત થી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું
ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે.
નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે
જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબત
ની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને
રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે, પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયાનાં
હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની
ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાં થી રેતી કાઢે છે.
આ
પોસ્ટ પછી રાજકિય અને વહિવટી વિભાગમાં સનસનાટી મચી જવા પામી છે. અત્રે નોંધનીય છે કે
મનસુખ વસાવાએ જિલ્લા સંકલનની મિટિંગમાં આ મુદ્દો
ઉઠાવી તે અંગે ચર્ચા કરી ગેરકાયદે પ્રવૃત્તિ
બંધ કરાવા જણાવ્યું હતું, છતાંય બેરોકટોક
ગેરકાયદે રેતી ખનન ચાલુ રહેતા તમણે આ બોમ્બ સોશ્યલ મીડિયા
ઉપર ફોડ્યો છે. તેમનું માનવુ છે કે કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ
વિભાગની ટીમ, મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ વહેલી સવારે સ્થળ
પર પહોંચી રેતી માફિયાઓને પકડવાને બદલે તેમને ભાગડી મુકે છે..! આ બધાં રેતી માફિયાઓ પાસેથી લાખો રૂપિયાનો હપ્તો લે છે..!
આ
રજૂઆત પછીય વહિવટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાયી નથી કે ખનન માફિયાઓએ ગેરકાયદે
પ્રવૃત્તિ બંધ કરી છે. એટલે મનસુખ વસાવાની બીજી પોસ્ટ આવી છે. જેમાં તમણે લખ્યું છે
કે, “ મારી પાછલી પોસ્ટ મૂકવાના અને મુખ્યમંત્રીશ્રીને મેઈલ કરવાના
ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં ઉમલ્લા ખાખરીપરા વચ્ચે પાણેથા
રોડ પર એક ડમ્પરવાળા એ ટી.આર.બી. જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો જેમનું ઘટના
સ્થળ પર જ મોત નિપજ્યું.
રેતમાફિયાઓ દ્વારા બેફામ રીતે ડમ્પર ચલાવાના કારણે આવી
અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયેદસર થતાં કામો સામે મારો
અવાજ ઉઠાવું છું. જે લોકોને આવા ગેરકાયદેસર થતાં કામોની ચિંતા નથી એ લોકો પણ આની
ચિંતા કરે અને આ રેત માફિયાઓનાં પાપનો ભોગ સામાન્ય માણસ નાં બને એ માટે અવાજ ઉઠાવો
ખુબ જરૂરી છે. ટી.આર.બી. જવાન સ્વ.સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ
કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું.”
આપણે સૌ જાણીયે છીએ કે સાંસદ મનસુખ વસાવા આવા મુદ્દે સતત ફરિયાદ કરતા રહ્યા છે અને આવા જ મુદ્દે મામલતદાર સહિતના અધિકારીઓને જાહેરમાં ગાળો દેતો વિડીયો પણ વાઇરલ થઈ ચૂક્યો છે ત્યારે માત્ર ફરિયાદ કરવાથી કે તેને સોશ્યલ મીડિયા પર મૂકી સનસનાટી મચાવવાથી કંઈ નહીં વળે. કારણ મનસુખ વસાવા જે ઉચ્ચ વહિવટી અધિકારીઓ ઉપર હપ્તા લઈ ગેરકાયદે કાર્યવાહી થવા દેવાના આરોપ લગાવી રહ્યા છે તે ભારતીય સેવા વિભાગના તાબાના અધિકારીઓ છે. શક્ય છે કે સ્થાનિક જ નહીં રાજ્યકક્ષાના નેતાઓને પણ તેઓ ગણકારતા ન હોય, એટલે હવે મનસુખ વસાવાએ આ ફરિયાદ સંસદમાં કરવી જ જોઇએ. કરવી જ રહી. કરશે..?
No comments