જિલ્લાના વહીવટી વડાને મહાનગર પૂરતા સિમિત કરવા એ વહિવટી પનિશમેન્ટ કહેવાય કે કેમ..?
ભરૂચના પુરોગામી કલેકટર ડૉ. એમ. ડી.
મોડિયાના અનુગામી તરીકે ૩૦મી ઓકટોબર ૨૦૨૧ના રોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તરીકેનો ચાર્જ
સંભાળનાર તુષાર સુમેરાની તા. ૪ ડિસેમ્બર૪ ૨૦૨૪ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે
બદલી કરવામાં આવી છે. આમ તો ભરૂચનો કાર્યભાર સંભાળ્યાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય વીતી
ગયો હોય આ બદલી નિયમિત જ કહેવાય. પણ..? એક જિલ્લાના વહીવટી વડાને એક મહાનગર પૂરતા સિમિત
કરવા એ વહિવટી પનિશમેન્ટ કહેવાય કે કેમ..? તેની ચર્ચાએ આકાર લીધો છે.
તુષાર સુમેરાના ભરૂચ જિલ્લાના કાર્યકાળ
દરમિયાન એવાં કોઈ મોટા કાર્યો થયાં હોય કે કરાયાં હોય તેવું ‘ઉડીને આંખે નથી વળગતુ..!’
હા, માય લિવેબલ ભરૂચ પ્રોજેકટ અને ખાણ ખનીજ વિભાગ પર અંકુશ ન હોવાના આક્ષેપો જરૂર થયાં
છે. થતાં રહ્યાં છે. તાજેતરમાં જ શુક્લતિર્થના મેળા દરમિયાન ભૂમાફિયાઓની ગેરકાયદે ખનન
પ્રવૃત્તિને લીધે નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મોતની સાહી સુકાય તે પહેલાં ડેટોક્સ
કંપનીમાં બ્લાસ્ટ અને ચારના મોતની દુર્ઘટના ઘટી છે. આ કંપનીમાં પણ પરવાનગી વગરની શંકાસ્પદ
કામગીરી ચાલતી હોવાની ચર્ચાએ આકાર લીધો છે.
ખૈર, જો જિલ્લામાં કોઈ પ્રસંશનીય કામગીરી
થાય તો તેનો શ્રેય વહિવટી વડા તરીકે જિલ્લા સમહર્તાને મળતો હોય છે. તો કંઈપણ ખોટુ કે
ગેરકાયદે થાય તેની નામોશી કે જવાબદારી પણ વહિવટી વડાની જ રહે છે. કદાચ એટલે જ સજાના
ભાગરૂપે બદલી..?
ભરૂચના સમાહર્તા તરીકે નવનિયુક્ત ૨૦૧૨ બેચના IAS અધિકારી ગૌરાંગ મકવાણાનું હાર્દિક સ્વાગત છે. સાથોસાથ કેટલીક ચેલેન્જ પણ છે. ખાસ કરીને ભરૂચ જિલ્લામાં બેફામ બનેલાં અને વહીવટી બાબુઓ અને નેતાઓના ખોળામાં બેઠેલાં ખનન માફિયાઓને જેર કરવાનો બહુ મોટો પડકાર તેમની સામે મોં ફાડીને ઉભો છે. આ ઉપરાંત પર્યાવરણના લીરે-લીરા ઉડાવતા ઉદ્યોગો અને તે સંલગ્ન બાબુઓ પર અંકુશ મેળવવો પડશે. આમ આ અને આવાં અનેક પડકારો સાથે ભરૂચના નવનિયુક્ત જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાનું હાર્દિક સ્વાગત છે.
No comments